Mahir Kalam News

News Website

વલસાડ જિલ્લાના ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો વાજતે ગાજતે શુભારંભ

વલસાડ જિલ્લાના ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો વાજતે ગાજતે શુભારંભ
Views: 38
0 0

Read Time:9 Minute, 47 Second

*જનજાતિય ગૌરવ યાત્રા- વલસાડ જિલ્લો*
રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામ ગામીત અને વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલે લીલીઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યો
—-
*કનસેરી માતા, માવલી માતા, ભગવાન બિરસા મુંડા અને જય જોહારના નારાથી સમગ્ર સભા મંડપ ગુંજી ઉઠ્યો*
—-
*દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
—-
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે, જેથી નવી પેઢી ભગવાન બિરસા મુંડાના યોગદાનથી વાકેફ થઈ શકેઃ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ*
—-
*ભગવાન બિરસા મુંડાએ માત્ર આદિવાસી સમાજ જ નહી પરંતુ સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ માટે ચેતના જગાડી હતીઃ ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*
—-
*બિરસા મુંડાના જીવન સંઘર્ષ અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી, સાથે જ સાંસદ ખેલ મહોત્સવનું પણ ઉદઘાટન કરાયું*
—-
*વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ આદિવાસી સમાજના કલાકારો અને રમતવીરોનું સન્માન પણ કરાયું*
—-

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામથી એકતાનગર સુધી નીકળનારી જનજાતિય ગૌરવ યાત્રાને તા. ૭ નવેમ્બરના રોજ ઉમરગામના સરઈ ગામ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત અને અમદાવાદ નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ બિરસા મુંડા સહિતના આદિવાસી દેવી દેવતાઓનું પૂજન કરી લીલીઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યો હતો.
જનજાતિય ગૌરવ યાત્રાના શુભારંભ પ્રસંગે આદિવાસી વાદ્યો અને નૃત્યો સાથે મહાનુભાવોનું ઉમેળકાભેર સ્વાગત કરાયુ હતું. સભા સ્થળે સમસ્ત આદિવાસી સમાજને સંબોધન કરી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કામ કર્યુ છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય વડાપ્રધાનશ્રીએ લેતા આજે સમગ્ર દેશ ભગવાન બિરસા મુંડાને વંદન કરી રહ્યો છે. સૌથી મોટી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ભેટ આપવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. આદિવાસી ગામડાઓમાં પહેલા વીજળી ન હતી, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી ૨૪ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. અંતરિયાળ વિસ્તારોમાં રોડ, પાણી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આદિવાસી સમાજને ગૌરવપૂર્ણ જીવન આપ્યુ છે. ધુમાડાની તકલીફ દૂર કરવા ઉજ્જવલા યોજના, આદિવાસીઓના વિકાસ માટે વન બંધુ યોજના સહિતની અનેક યોજના અમલમાં મુકી આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારા સાથે જોડયો છે.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિએ ઉજવાઈ રહેલા એકતા પર્વ અને પ્રકાશ પર્વને તા. ૧૫ નવેમ્બર સુધીમાં નિહાળવા જવા સૌને અપીલ કરી જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ દેશની આઝાદી માટેનું તેમનું બલિદાન અને આદિવાસી સમાજની એકતા માટેનું યોગદાન જનજન સુધી પહોંચે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. જેથી નવી પેઢી ભગવાન બિરસા મુંડાની અંગ્રેજો સામેની લડત, આદિવાસી સમાજને એક કરવાનું ભગીરથ કાર્ય, નાની ઉંમરે જેલમાં મૃત્યુ સહિતની હકીકતથી વાકેફ થઈ શકે. વડાપ્રધાનશ્રીએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું વર્ષ ૨૦૧૭માં ભૂમિપૂજન કર્યુ હતું અને તાજેતરમાં લોકાર્પણ કરી આદિવાસી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યુ છે. આવનારી પેઢીને આત્મનિર્ભર ભારતની ભેટ આપવાની દિશામાં વડાપ્રધાનશ્રી સતત મહેનત કરી રહ્યા છે તેને વધુ મજબૂત બનાવવા માટે આપણે સૌ એ પણ વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા યોગદાન આપવુ જરૂરી છે.
અમદાવાદ નિકોલના ધારાસભ્યશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કનસેરી માતા, માવલી માતા, ભગવાન બિરસા મુંડા અને જય જોહારના નારા લગાવતા સમસ્ત સભા મંડપ આદિવાસી દેવી દેવતાઓના ગુંજારવથી ગુંજી ઉઠ્યો હતો. આ સાથે જ ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, આજનો દિવસ વિશેષ છે. આજે દેશના રાષ્ટ્રગીત વંદે માતરમ અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે. આઝાદીની લડતમાં તેમણે સમસ્ત દેશમાં રાષ્ટપ્રેમ જગાવ્યો હતો. ગુજરાતમાં આજે ઉમરગામ અને અંબાજીથી જનજાતિય ગૌરવ યાત્રા નીકળી રહી છે. જે ગૌરવની વાત છે. બિરસા મુંડા મહાન ધર્મ યૌધ્ધા, સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. વિદેશી તાકાત સામે દેશની રક્ષા માટે શસ્ત્ર ઉપાડી લડત આપી હતી. માત્ર આદિવાસી સમાજ જ નહી પરંતુ સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ માટે ચેતના જગાડી હતી. આ સાથે જ ‘‘જય જોહાર કા નારા હૈ, ભારત દેશ હમારા હૈ…’’ નો નારો આપી રાષ્ટ્ર પ્રેમ જગાડ્યો હતો. આઝાદીના ૭૫ વર્ષ બાદ બિરસા મુંડાને ગૌરવ અપાવવાનું કામ મોદીજીએ કર્યુ હતું. વધુમાં તેમણે આ રથ જે પણ ગામમાં જાય ત્યાં ઉત્સાહભેર સ્વાગત કરવા અનુરોધ કર્યો હતો.
લોકસભાના દંડકશ્રી અને વલસાડ – ડાંગના સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીયે કર્યુ હતું.
ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આદિવાસી સમાજમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર ૧૨ કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું. વિવિધ યોજનાના ૧૨ લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ હતી. આ સાથે જ સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ પણ કરાયો હતો. 
આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લાના સર્વ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી, સુરતના ચોર્યાસીના ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, નવસારી જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરગામના સરઈથી નીકળેલી જનજાતિય ગૌરવ યાત્રાનો રથ ભીલાડ, વાપી, પારડી અને નાનાપોંઢા થઈ રાત્રે ધરમપુર ખાતે રાત્રિ રોકાણ કરશે.  
-૦૦૦-

બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *