૨૧ ગામોમાં ભવ્ય સ્વાગત રંગોળી, પુષ્પવર્ષા અને પ્રસાદ સાથે ભાવિકોએ યાત્રાળુઓનું સન્માન કર્યું.*
*ધર્મસભામાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક મૂલ્યો પર પ્રવચનો*
સાવરકુંડલા, સૌરાષ્ટ્રના પાંચ પંથકોને જોડતી ધર્મજાગરણ સમન્વય સમિતિ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સોમવારે ભાદરવા સુદ બીજના પાવન દિવસે એક ભવ્ય ‘અલખયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને સત્તાધાર ખાતે પૂરી થઈ હતી. જેમાં 2100થી વધુ વાહનો, 100 થી વધુ સંતો અને હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો જોડાયા હતા.
આ યાત્રાનો પ્રારંભ સવારે 8 વાગ્યે સાવરકુંડલા ખાતે પૂજ્ય કાનજીબાપુની જગ્યાએથી થયો હતો. આ યાત્રામાં સાવરકુંડલાની મુખ્ય યાત્રા ઉપરાંત અમરેલી અને બગસરાથી પણ વાહનો જોડાયા હતા, જે વિસાવદર ખાતે એકસાથે મળીને સત્તાધાર પહોંચ્યા હતા. આ યાત્રામાં રથ, અશ્વો, ડી.જે., અને ઢોલ-નગારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
21 ગામોમાં ભાવિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત
આ અલખયાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને નેસડી, ઈગોરાળા, કમી, કેરાળા, ચલાલા, મીઠાપુર, ડુંગરી, ઝર, મોરઝર, છતડીયા, ધારી, પ્રેમપરા, માલસીકા, વેકરીયા, લાલપુર, જેતલવડ, ખીસરી, કાલસારી, વિસાવદર, અને જીવાપર જેવા 21 ગામોમાંથી પસાર થઈ હતી.
આ યાત્રાના માર્ગ પર આવતા ગામોના લોકોએ રંગોળીઓ, પુષ્પવર્ષા, અને ફુલહારથી યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર પાણી, ચા, શરબત, નાસ્તો, અને ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
સત્તાધાર પહોંચ્યા બાદ આપાગીગાની જગ્યાના વિશાળ પટાંગણમાં એક દિવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સત્તાધારના સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના મહંત પૂજ્ય વિજયબાપુ સહિત સૌરાષ્ટ્રની વિવિધ ધાર્મિક જગ્યાઓ અને આશ્રમોના 100 થી વધુ સંતો, મહંતો અને પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય વિજયબાપુ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિત સંતોએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, રાષ્ટ્રની એકતા અને વિકાસ પર પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા હતા.
આ સમગ્ર અલખયાત્રાએ ધર્મજાગરણ અને સૌરાષ્ટ્રના વિવિધ પંથકો વચ્ચે સદભાવ અને સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બ્યુરો ચીફ રજાકભાઈ ઝાખરા સાવરકુંઙલા