Mahir Kalam News

News Website

ભારતમાં રવિવાર રાત્રે સાડા પાંચ કલાકનો ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો રવિવારે ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો

ભારતમાં રવિવાર રાત્રે સાડા પાંચ કલાકનો ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો રવિવારે ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો
Views: 26
0 0

Read Time:11 Minute, 49 Second

બીજેવીજે

ચંદ્રગ્રહણ કાળમાં બ્લડ મુન એટલે કે રક્તવર્ણમાં જોવા મળશે.

સમગ્ર ભારતમાં ગ્રહણ નરી આંખે જોઈ શકાશે… ખગોળીય ઘટના. ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં ગ્રહણ જોઈ શકાશે.

વેધાદિ નિયમો, સૂતક-બૂતક નર્યું તૂત… જાથા.

મુંબઈમાં ગ્રહણ નિદર્શન આયોજનની તૈયારી કરતું વિજ્ઞાન જાથા.

રાજયમાં ગ્રહણ નિહાળવા અપીલ કરતું જાથા.

અમદાવાદ : દેશ-વિદેશમાં રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો થવાનો છે. સમગ્ર ભારતમાં લોકો આ ગ્રહણ નરી આંખે જોઈ શકશે. સાડા પાંચ કલાકનો અવકાશી નજારો નિહાળવા ખગોળપ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે. દેશભરમાં ગ્રહણ નિહાળવા સંબંધી ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ તૈયારી આરંભી દીધી છે. રાજયમાં સ્વયં જાગૃતિ કેળવે તે સંબંધી અને મુંબઈ ખાતે જાથાની ટીમની હાજરી હોય ત્યાં નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ૨૦૮૧ ભાદરવા સુદ પૂનમ રવિવાર તા. ૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ કુંભ રાશિ તથા શતતારા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ ગ્રહણ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાશે. આ વખતે ગ્રહણ સમયે ચંદ્ર બ્લડમૂન એટલે કે રક્તવર્ણમાં આહલાદક જોવા મળશે. જાથા રાષ્ટ્રવ્યાપી લોકચળવળ ઉભી કરી લોકો સ્વયં ગ્રહણ નિહાળે તે સંબંધી માહિતગાર કરનાર છે. અવકાશી ખગોળીય ઘટના જોવા-માણવા માટે હોય છે. ભારતમાં સદીઓથી લોકોને અવળે માર્ગે વાળી લેભાગુઓ વિક્ષેપ કરે છે.

ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણસ્પર્શ : ૨૦ કલાક ૫૮ મિનિટ ૨૧ સેકન્ડ, ગ્રહણ સંમીલન ઃ ૨૧ કલાક ૫૭ મિનિટ ૪૧ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૨૩ કલાક ૪૧ મિનિટ ૪૩ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૨૫ કલાક ૨૬ મિનિટ ૪૭ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૨૬ કલાક ૨૫ મિનિટ, પરમ ગ્રાસ : ૧.૩૬૭ રહેશે. સંપૂર્ણ ગ્રહણ કાળ : ૫ કલાક ૨૭ મિનિટનો રહેશે. ખગ્રાસ ચંદ્રગ્રહણને અદભૂત આનંદ ભારતના લોકો જોઈ માણી શકાશે. નરી આંખે ઉપરાંત વિજ્ઞાન ઉપકરણથી આહલાદક જોવા મળશે.

વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગકોક, જકાર્તા, બર્લિન, મોસ્કો, રોમ, ઢાકા, બુડાપેસ્ટ, સિંગાપોર, મેલબોર્ન, સિડની, ટોકિયો, બેઈઝીંગ, બ્રસલ્સ, પેરિસ, લંડન વિગેરે અનેક શહેરોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ અદ્દભુત જોવા મળશે. આ વખતે વિજ્ઞાન જાથાની બે ટીમ મુંબઈ ખાતે હાજર હોય ત્યાં નિદર્શન કાર્યક્રમનું આયોજન વિચારેલ છે. રાજયમાં લોકો પોતાના ઘરની અગાસી કે ખુલ્લા મેદાનમાંથી ગ્રહણનો નજારો નિહાળી શકશે. વેધાદિ નિયમો પાળવાની જરૂર નથી કારણમાત્ર ગ્રહણ ખગોળીય ઘટના છે.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી ગ્રહણ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વિગેરે માહિતી જાથા વારંવાર લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ સાડા પાંચ કલાક માટે જોવા મળશે. કુદરતી ખગોળીય અવકાશી ઘટના છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો, તેની અસરો, જપ-તપ, દાન વિગેરે જે તે સમયના અમુક લેભાગુઓ, કર્મકાંડીઓને લોકોના માથા ઉપર મુકી દીધા છે તે જડમૂળથી દૂર કરવા જાથાએ રાષ્ટ્રવ્યાપી અભિયાન આદર્યું છે. ગ્રહણોનો નજારો કેવી રીતે બને છે તે ટી.વી. માં ઘરે બેઠા બેઠા જોઈ શકાય છે છતાં ગ્રહણોની અસર બતાવી લોકોને મુર્ખ બનાવવામાં આવે છે તે દુઃખદ છે.

પૃથ્વી ઉપર હજારો સૂર્યગ્રહણો-ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર પરિભ્રમણ, ભૂમિતિની રમત છે. આમ છતાં ભારતમાં રદ્દી માન્યતાઓ, દંતકથાઓ, પરંપરાઓનો આધાર મુકી ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડ કરવાથી અધોગતિ થઈ છે. જાથા નબળા મનના લોકોમાં દ્રઢ મનોબળ કેળવાય તે માટે પ્રયત્નો કરી રહ્યું છે. ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે છતાં આજે પણ ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન, રાશિ, ફળકથનો, દોષ નિવારણના નામે યેનકેન અમુક લેભાગુઓ શોષણ કરે છે જાથા તેનો સદૈવ વિરોધ કરે છે. લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે શોષણ કરે છે. ૨૧ મી સદી જ્ઞાન-વિજ્ઞાન સાથે પુરૂષાર્થને પ્રાધાન્ય આપવું જોઈએ. ઘરમાં બેઠા બેઠા જપ-તપનો સમય નથી. જાથાના અનુભવ પ્રમાણે અમુક જ્યોતિષીઓને આકાશમાં ક્યાં સ્થળે રાશિ-નક્ષત્ર કે ગ્રહો આવેલા છે તેની ખબર સુદ્ધાં નથી છતાં ચાલાકીથી છેતરે છે. લોકોમાં ખગોળવિજ્ઞાનનું જ્ઞાન આવે એટલે ગ્રહોના ચક્કર, જપ, હોમ-હવન, નિવારણ વિગેરે તૂત આપોઆપ બંધ થઈ જશે તેવું જાથા માને છે. જાથા માનવી પોતાનો વિકાસ કેમ થાય તેના ઉપાયો દર્શાવી અનુભવ પ્રમાણે અનુકરણની સલાહ આપે છે. જાથાની વિચારધારા માનવી કે નહિ તે લોકોને પોતાનો અધિકાર છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી મારફત ગ્રહણ નિદર્શન સાથે વેધાદિ નિયમો સુતક-બુતકનું કડડભૂસ કરવા ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજશે. ગ્રહણ સમયે ચા-નાસ્તા સાથે નિદર્શન રાખવામાં આવશે. ગ્રહણની અસર લેશમાત્ર નથી તેન આધાર મુકવામાં આવશે. ભૌગોલિક અસર કેમ નથી તેની સમજ આપવામાં આવશે. રાજયભરમાં જાથાએ તેની શાખાઓ, શુભેચ્છકોની મદદથી ગામેગામ નિદર્શન રાખવામાં આવશે. કુદરત-પ્રાકૃતિક નિયમ કાયમ છે. કુદરતના નિયમોનું પાલન માનવીએ કરવું જ પડશે. પૃથ્વી ઉપર દર મિનિટે, સારી-ખરાબ, હોની-અનહોની, લાભ-નુકશાન, શુભ-અશુભ વિગેરે ઘટનાઓ બનવાની જ છે તેને કોઈ રોકી શકતું નથી, અટકાવી શકતું નથી. કુદરતને પ્રાર્થના, પૂજા-પાઠ, જપ-તપ, દાન-પુણ્ય, પૂજાવિધિ, જપમાળા, અનુષ્ઠાન, હોમ-હવન, ક્રિયાકાંડો સાથે કશી જ લેવા દેવા નથી, સ્નાનસૂતક સંબંધ નથી છતાં ટી.વી. ઉપર અમુક લેભાગુઓ ગ્રહણની અસર રાશિ પ્રમાણે ક્રિયાકાંડો બતાવે છે તે નર્યું તુત છે. લોકોને ભરમાવવામાં આવે છે. વિજ્ઞાનથી માનવી સમૃદ્ધ, સુખી થયો છે. ગ્રહણ સમયે મંદિરો બંધ રાખવા તેમાં કશો જ તર્ક નથી છતાં દેવસ્થાનો બંધ રહેશે તે આપણે નજરે જોવાના છીએ. ભગવાન-ઈશ્વરને ગ્રહણની કેવી રીતે અસર થાય? છતાં પરંપરાના નામે તૂત ચાલે છે. આગામી વર્ષોમાં માનવી ચંદ્ર-મંગળ ઉપર વસવાટ કરવાનો છે તેની તૈયારીઓ ચાલી રહી છે. રાજયભરમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા લોકો આગળ આવે તેવા જાથા પ્રયત્નો કરી રહ્યું છે.

જાથાના રાજય કક્ષાના કાર્યક્રમમાં ગ્રહણ નિદર્શન સમયે લોકો સ્વયં ચા-નાસ્તો, ભોજન કરે તેવું આયોજન છે. રાજયના જિલ્લા-તાલુકા મથકને આવરી લેવામાં આવશે. ખગોળપ્રેમીઓ પોતાના ગામમાં અનુકુળતા પ્રમાણે ગોઠવી શકશે. અમુક લેભાગુઓ કેવી રીતે છેતરે છે તેની સમજ આપવામાં આવશે. વિજ્ઞાને જ્યોતિષને કપોળકલ્પિત જાહેર કર્યું છે. કુંડળીમાં જે ગ્રહો નથી તેને બતાવવામાં આવે છે. ગ્રહોના નંગની વિંટી હાથ-આંગળામાં ધારણ કરનારા નબળા મનના છે. આત્મવિશ્વાસ કેળવવા જાથા કામ કરે છે. આ વખતે રાજયમાં લોકો જ ગ્રહણની સમજ કેળવે તેવું આયોજન છે.

રાજયમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ભુજ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, નડીયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, નવસારી, વલસાડ, વાપી, તાપી, ડાંગ, આહવા, દાહોદ, પંચમહાલ, ગોધરા, મોડાસા સહિત જિલ્લા-તાલુકા મથકોએ ગ્રહણ જાગૃતતા સંબંધી માહિતી આપવામાં આવશે.

જાથાના સદસ્યો અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, કિશોરગીરી ગોસાઈ, રાજુ યાદવ, નિર્મળ મેત્રા, દિનેશ હુંબલ, અશ્વિન કુંગશીયા, શંભુભાઈ વાળા, પી. એલ. મારૂ, સોમાભાઈ બગડા સહિત શુભેચ્છકો સાથે પોતાના ગામમાં કાર્યક્રમ યોજવાના છે.

અંતમાં ગામેગામ જાગૃતો પોતાના વિસ્તાર, ગામમાં ગ્રહણ નિદર્શન સાથે ચા-નાસ્તો, નકારાત્મક ફળકથનોની હોળી કરી જાગૃતિ કેળવવા કાર્યક્રમની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર મોકલવા અપીલ કરવામાં આવી છે.

માન. તંત્રીશ્રી

ઉપરોકત મેટર આપના સુપ્રસિદ્ધ અખબારમાં પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી. ઈ-મેઈલથી મેટર મોકલેલ છે જે વિદીત થાય.

તા.ક. : તા. ૬ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ વિજ્ઞાન જાથાની ટીમ મુંબઈ ખાતે હોય રાજયકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલ નથી જેની નમ્ર જાણ કરીએ છીએ.

ભારત જન વિજ્ઞાન જાથા

રિપોર્ટર દામજીભાઈ વેકરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *