જન્માષ્ટમી પર્વની પાવન સંધ્યાએ દ્વારકા ખાતે ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય “દ્વારકા ઉત્સવ-૨૦૨૫” રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભાવિકો દ્વારકા ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ પર દર્શન કરવા ઉમટ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ ભી વિરાસત ભી’ ની ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ ઉત્સવો અને મેળાઓની ઉજવણી દ્વારા પ્રવાસનને બળ આપ્યું છે તેમજ આપણા સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન કર્યું છે. દ્વારકામાં મંદિરો અને પ્રવાસન સ્થળોને જોડીને ટુરિઝમ સર્કિટ બને અને પ્રવાસીઓની સંખ્યા વધે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ઉપરાંત જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે દર્શનાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર કરેલ વ્યવસ્થાને બિરદાવી હતી તેમજ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી.