જામનગરમાં અંધઆશ્રમ ત્રણમાળીયા આવાસના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું અને એક મહિલા સંચાલક દ્વારા બહારથી રૂપલલનાઓને બોલાવીને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં ગઈકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડયો હતો, અને કુટણખાનામાંથી એક પુરુષ ગ્રાહક અને ત્રણ મહિલાઓને શોધી કાઢી હતી. ઉપરાંત સંચાલક મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં બ્લોક નંબર ૪૫ માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની મહિલા દ્વારા પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પોતાના ઘરમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દઈ કુટણખાનું ચલાવાઇ રહ્યું છે.
જે બાતમીના આધારે સીટી ડીવાયએસપી જે.એન ઝાલા, ઉપરાંત મહિલા પી.એસ.આઇ ટી.ડી.બુડાસણાએ અન્ય પોલીસ ટુકડીને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન એક રૂમની અંદરથી એક સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે રૂમમાં અમદાવાદ અને રાજકોટની સ્ત્રીઓ હાજર મળી આવી હતી, અને પુરુષ ગ્રાહકોને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરાઈ હોવાનું તેમજ મહિલા સંચાલીકા દ્વારા દેહવિક્રયનો ધંધો કરાવી કમિશન તરીકે પૈસા લેવાતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. દરોડા દરમ્યાન ૬૩૦૦ની રોકડ અને કોન્ડમના ૫૦૨ પેકટ મળી કુલ ૧૧૩૨૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહી બાદ મહિલા પીએસઆઈ ટી.ડી. બુડાસણા સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કુટણખાનું ચલાવનાર સંચાલક નીતાબેન મહેન્દ્ર વાળા સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.