નવરાત્રિ પ્રાચીન ગરબીના આયોજકોને ધૂણવાનો રાસ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ
બાળાઓની જીંદગી સાથે ખીલવાડ કરવાનું આયોજકો બંધ કરે…. જયંત પંડયા.
નવરાત્રિ ગરબીમાં ધૂણવાના રાસથી બાળાઓને માનસિક હાનિ…… વિજ્ઞાન જાથા.
“નવરાત્રિ ગરબીમાં ધૂણવાનો રાસ માનસિક દર્દનાક રોગને આમંત્રણ….વિજ્ઞાન જાથા”
બાળમાનસ ઉપર અંધશ્રદ્ધા પ્રેરક વિપરીત અસરોથી માનસિક રોગની સંભાવના.
ડીસોસીએટીવ ડિસઓર્ડર, ઓબ્જેશન, હિસ્ટેરીયા, ભયભીત વળગાડ રોગ થાય.
માસહિસ્ટેરીયા અને માનસિક નબળા હિપ્નોટાઈઝ થઈ ધૂણે છે.
અમદાવાદ : ભારતમાં સદીઓ અને પરંપરા મુજબ પ્રાચીન ગરબીમાં ધૂણવાના રાસનો
આડકતરી રીતે પ્રદર્શન જોવા મળતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજયમાં લોકોની ભીડ એકઠી કરવા ધૂણવાના રાસને મહત્વ આપી મહત્તમ સમય ફાળવવામાં આવે છે જે દુઃખદ ઘટના છે. ભારત જન વિજ્ઞાન જાથાના મત મુજબ ધૂણવું, સવારી આવવી મહાડિંડકની વ્યાખ્યામાં આવે છે. આગામી તા. ૨૨ મી સપ્ટેમ્બર થી ૧ લી ઓકટોબર દરમ્યાન દેશભરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થનાર છે. તેમાં પ્રાચીન ગરબીમાં ધૂણવાનો રાસ બંધ રાખી ૨૧ મી સદીને અનુરૂ૫ વર્તન કરવા વિજ્ઞાન જાથા અનુરોધ કરે છે. ધૂણવાના રાસથી બાળાઓને અનેક પ્રકારે હાનિ થાય છે તેથી આયોજકો ગરબીમાં બંધ રાખી નવાંગતુક રાસ યોજે તેવી અપીલ કરવામાં આવી છે. બાળાના વાલીઓએ જાગૃતતા રાખવી જોઈએ.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ધૂણવાનો રાસ બંધ કે દૂર કરવાથી શ્રદ્ધા, ભકિતમાં કોઈ અવરોધ ઉભો થવાનો નથી. છેલ્લા વીસ વર્ષથી નવરાત્રિ મહોત્સવમાં પ્રાચીન ગરબીમાં ધૂણવાના રાસે કૌતુક ઉભું કરી માસ હિસ્ટેરિયાને જન્મ આપ્યો છે. બાળમાનસ ઉપર અંધશ્રદ્ધા પ્રેરક વિપરીત માનસિક અસરો થતી હોય ધૂણવાના રાસ કાયમી બંધ કરી નવતર રાસ–કાર્યક્રમો આપવા અપીલ કરવામાં આવી હતી. ધૂણવાનો રાસ અનેક પ્રકારે હાનીકારક સાબિત થયો છે. લાંબાગાળે માનસિક રોગની પૂરેપૂરી સંભાવના છે. માનસિક નબળી બાળાઓ હિપ્નોટાઈઝ થઈને ધૂણવા લાગે છે જે સિલસિલો રોગને આમંત્રણ આપે છે.
જાથાના પંડયાએ વધુમાં જણાવ્યું કે ગરબીમાં ધૂણવાના રાસ વખતે ગુગળ–અગરબત્તીનો ધુમાડો કરી વાળ ખુલ્લા રાખી ડોકું અનેક પ્રકારે હલાવવાનો પ્રયોગ કરવામાં આવે છે જેની સમયમર્યાદા નિશ્ચિત હોતી નથી. ધૂણવાનો રાસ વખતે મોટો માનવસમુહ એકત્રિત થઈ જતો હોય છે. તેથી ડાક વગાડનાર રંગતમાં આવી રાસને લંબાવે છે તેથી ધૂણતી બાળાઓને વધુ પ્રમાણમાં કસરત, થાક, ધુમાડો અંગારવાયુ અને કાર્બન મોનોકસાઈડ લેવાના કારણે બેશુદ્ધ થઈ જાય છે. પડી જવાના બનાવ બને છે. ધૂણવાના કારણે માથાના ભાગે નીકળતી નસોને નુકશાન થતું હોય ક્યારેક અપંગતાને આમંત્રણ આપીએ છીએ. રગત્રગ થઈ જાય છે. ધૂણવાના રાસમાં બાળાઓને ઓકિસજન મળી રહે તેવી કોઈ વ્યવસ્થા હોતી નથી. બાળાઓના વાલીએ સજાગતા રાખી ધૂણવાના રાસથી દૂર રાખવું હિતાવહ છે. કેટલાક આયોજકોએ અનુભવના અંતે આ રાસ દુર કર્યો છે.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે ગરબીમાં ધૂણવાના રાસને કારણે લાંબાગાળે, ભવિષ્યમાં માનસિક રોગોમાં ડીસોસીએટીવ ડિસઓર્ડર, ઓબ્જેશન, હિસ્ટેરીયા, ભયભીત વળગાડ જેવા દર્દોની સંભાવના રહે છે. વિચારોનો વળગાડ, આંચકી, ભકિતમાંથી ભયનો રોગ, શંકા વ્હેમ, શરીરમાં માતાજી આવવું, શરીરમાં અન્યોનો પ્રવેશ થવો, હિસ્ટેરીયા પ્રકારના રોગ આવવાની પૂરેપૂરી સંભાવના છે. ધૂણવાનો રાસ કરનારા અને માનસિક નબળા જોનારા માટે ખતરનાક સાબિત થાય છે. ધૂણવાનો રાસ બંધ રાખવાથી માતાજીની શ્રદ્ધા, ભકિતમાં અવરોધ નથી. જાથા નવરાત્રિ મહોત્સવમાં આસ્થા ધરાવે છે. ધૂણવાના રાસનો વિરોધ કરે છે. અગાઉના વર્ષોમાં ધૂણવાના રાસને કોઈ સ્થાન ન હતું. અત્યારે ગતકડાં ઉભા કર્યા છે. જાગૃતોએ ગરબીમાં ધૂણવાના રાસ બંધ રાખવા પહેલ કરવી જોઈએ. ગરબીના આયોજકો જાથાની અપીલને હકારાત્મક દ્રષ્ટિએ નિહાળી અમલ કરે તેવી આશા રાખવામાં આવે છે. વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં ધૂણવાનો રાસ પછાતતાના દર્શન કરાવે છે. ધૂણવાનો રાસ આપણી સંસ્કૃતિ નથી. ધૂણવાનો રાસ અધઃપતનની નિશાની છે. ધૂણવું – સવારી આવવી માનસિક રોગની નિશાની સાથે ધતિંગની વ્યાખ્યામાં આવે છે. દેશભરમાં નવરાત્રિ મહોત્સવ, શ્રદ્ધા, ભકિત, આસ્થા, વિવિધતાથી માઁ અંબા માતાજીની પૂજા, અર્ચના, સ્થાનિક સંસ્કૃતિની રીતે ઉજવણી થાય તેના તરફ સૌને આદર હોય છે. ધૂણવાનો રાસ તો બંધ થવો જ જોઈએ.
અંતમાં જાથાના પ્રયાસથી મોટાભાગની ગરબીઓમાં આયોજકોએ ધૂણવાના રાસની બાદબાકી કરી નાંખી છે તે સરાહનીય છે તેની જાથા કદર કરે છે છતાં પણ રાજયમાં જીલ્લા મથકોએ કાર્યકારી કમિટી બનાવી ધૂણવાના રાસ સંબંધી આયોજકો સાથે વિચાર-વિમર્શ કરશે તે જીલ્લા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ભુજ-કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, આહવા, ગોધરા વિગેરે સ્થળોએ સ્થાનિકોએ જાણકારી આપવાથી જાથા કાયદાની મર્યાદામાં કામ કરશે તેની ખાત્રી આપવામાં આવે છે.
જાથાના સંનિષ્ઠ કાર્યકરોમાં રાજુ યાદવ, અંકલેશ ગોહિલ, પ્રકાશ મનસુખ, મહેશ પટેલ, ઉમેશ રાવ, તુષાર રાવ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વિગેરે કાર્યકરો કામગીરી કરવાના છે.
જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ / ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં વિગતવાર મેટર પ્રગટ કરવા નમ્ર વિનંતી.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા