લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલના હસ્તે મેડિકલ કેમ્પનું ઉદઘાટન કરાયું*
—-
*મધ્યપ્રદેશના ધારથી વડાપ્રધાનશ્રીના હસ્તે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌ એ નિહાળ્યું*
—-
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ દ્વારા જીએસટીમાં સુધારો કરી દેશના દરેક નાગરિકને ‘‘વન નેશન, વન ટેક્સ’’ની તા. ૨૨ સપ્ટે.થી ભેટ આપવામાં આવનાર છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
—-
*મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મેડિકલ મેડિકલ કેમ્પની સાથે સાથે મહિલા અને બાળકોના વોર્ડની મુલાકાત લીધી*
—-
*ટીબી મુક્ત ભારત અભિયાનમાં સેવા આપનાર ૩ નિક્ષય મિત્ર અને ૪ રક્તદાતાઓનું સન્માન કરાયું*
—-
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલું ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’’ અભિયાન દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ તા. ૨ ઓક્ટોબર સુધી ચાલનાર છે. ત્યારે વલસાડ જિલ્લામાં આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલના ઉદઘાટક પદે વલસાડ સિવિલ હોસ્પિટલના જીએમઈઆરએસ ઓડિટોરીયમ ખાતેથી શુભારંભ થયો હતો.
ભારત સરકાર દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૫ થી તા.૦૨/૧૦/૨૦૨૫ દરમિયાન ‘‘સ્વસ્થ નારી, સશકત પરિવાર’’ અભિયાનની ઉજવણીના પ્રારંભ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ દેશના પ્રધાનસેવક તરીકે પોતાને ઓળખાવનાર એવા જનનાયક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાસ્થ્ય સારૂ રહે તેવી શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના નરેન્દ્રભાઈએ શરૂ કરાવી દેશના લાખો કરોડો નાગરિકોના પૈસા અને જીવન બંને બચાવ્યા છે. વલસાડ જિલ્લામાં ૧૦ લાખના લક્ષ્યાંક સામે ૯ લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે જ ૭૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોને આવકના દાખલા વગર આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. નરેન્દ્રભાઈના જન્મદિવસથી ગાંધીજીના જન્મ દિવસ સુધી થનારી આ ઉજવણીમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન, એક પેડ મા કે નામ, મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર સહિતના સેવાકીય કાર્યક્રમો થઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે તાજેતરમાં પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ પડતા વરસાદ અને વાયુ પરિવર્તનને કારણે થઈ રહેલી અસરો જણાવી હતી. જેના નિરાકરણ માટે રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મુકી મંત્રીશ્રીએ કહ્યું કે, કોલસાના કારણે થઈ રહેલા પ્રદૂષણને અટકાવવા માટે મોદીજીએ સોલાર પોલીસી અમલમાં મુકી હતી. આજે ગુજરાત સોલારથી સૌથી વધુ વીજળી ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય બન્યુ છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહી હોવાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રી કહ્યું કે, વર્ષ ૨૦૦૪થી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગામડામાં ૨૪ કલાક વીજળી આપવામાં આવી રહી છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, જીએસટીમાં સુધારો કરી આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ દ્વારા દેશના દરેક નાગરિકને ‘‘વન નેશન, વન ટેક્સ’’ની ભેટ આપવામાં આવનાર છે.
લોકસભાના દંડકશ્રી અને વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ આજે તેમના જન્મ દિવસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી ‘‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’’ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. તેમના જન્મ દિવસે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણા દેશની અર્થવ્યવસ્થા પહેલા ૧૧ માં ક્રમે હતી પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળતા આજે આપણુ અર્થતંત્ર ચોથા ક્રમે છે. આગામી વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પુરા થશે ત્યાં સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્રની સાથે વિશ્વગુરૂ બની જશે. આપણુ રાષ્ટ્ર ત્યારે જ વિકસિત થશે કે જ્યારે નારી સ્વસ્થ હોય અને પરિવાર સશકત હોય તે માટે જ આ અભિયાન શરૂ કરાયુ છે. વડાપ્રધાનશ્રીએ મહિલાઓની પીડા જોઈને ઉજ્જવલા યોજના અમલમાં મુકી હતી આ સાથે જ પીએમ આવાસ યોજના સાથે કરોડો શૌચાલય બનાવ્યા છે. દીકરીઓ શિક્ષિત બને તે માટે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરાવી હતી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું નેતૃત્વ વધે તે માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ કરી છે. તા. બીજી ઓક્ટોબર સુધી ચાલનાર આ અભિયાનમાં મહિલાઓના સ્વાસ્થ્યની ચકાસણી કરી નિદાન કરાશે. આપણો વલસાડ જિલ્લો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સૌ સાથે મળીને કામ કરીશું એવો અનુરોધ સાંસદશ્રીએ કર્યો હતો.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે વડાપ્રધાનશ્રીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મેડિકલ મેડિકલ કેમ્પ અને સ્ત્રી તેમજ બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી. સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અને સિકલસેલની શોર્ટ ફિલ્મ અને મધ્યપ્રદેશથી વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું. ટીબી મુક્ત ભારત અભિયાનમાં સેવા આપનાર ૩ નિક્ષય મિત્ર અને ૪ રક્તદાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનના શુભારંભ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કલ્પનાબેન પટેલ,વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટરશ્રી –વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીન ડો. કમલેશ શાહ, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટશ્રી ભાવેશ ગોયાણી, વાપી વીઆઈએ ના પ્રમુખ સતિષ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને આરોગ્ય ખાતાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સ્વાગત પ્રવચન ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.સિંઘે કર્યુ હતું. જ્યારે આભારવિધિ ઈન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હરજીતપાલ સિંગે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય ખાતાના નિકિતા દેસાઈ અને ભાવેશ કાકલોતરે કર્યુ હતું.
*બોક્ષ મેટર*
*આયુષ્યામાન કાર્ડ યોજનાના લાભાર્થીઓએ વર્ણવી સાફલ્યગાથા*
આ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ યોજનાના બે લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા જણાવી હતી. જેમાં જોરાવાસણના ચેતનાબેન પટેલે જણાવ્યું કે, ઘરમાં પગ લપસી જતા હું પડી ગઈ હતી અને જમણા પગમાં ફ્રેક્ચર થયુ હતું. ડોકટરને બતાવ્યુ તો, કહ્યું કે, રૂ. ૫૦ હજારનો ખર્ચ થશે. પરંતુ મારી પાસે આયુષ્યાન કાર્ડ હોવાથી ફ્રીમાં મારુ ઓપરેશન થયુ હતુ. જે બદલ હું વડાપ્રધાનશ્રીનો આભાર માનુ છું સાથે જ જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય તો કઢાવી લેવા વિનંતી પણ કરૂ છું. તિથલ રોડ સરદાર હાઈટ્સ ખાતે રહેતા અન્ય એક લાભાર્થી રાજકુમાર પટેલે જણાવ્યું કે, માર્ચ ૨૦૨૪માં મારા મોઢામાં તકલીફ થઈ હતી જેથી ડોકટર પાસે ચેકઅપ કરાવ્યું તો કહ્યું કે, આ કેન્સરની શરૂઆત છે. સારવાર માટે રૂ. બે લાખનો ખર્ચ થશે એમ કહેતા હું ચિંતામાં મુકાય ગયો હતો. બાદમાં આયુષ્યમાન કાર્ડ કઢાવી અમદાવાદ હોસ્પિટલમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના સારવાર થઈ હતી. આજે હું સ્વસ્થ છું. આયુષ્યાન કાર્ડથી મારો જીવન અને પૈસા બંને બચી ગયા છે જે બદલ હું વડાપ્રધાનશ્રીનો ઋુણી છું.
-૦૦૦-
બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ