જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દિવ્યાંગ બાળકોની અગ્રણી સંસ્થા, ચોરવાડી હનુમાનજી મંદિરની બાજુમાં, બાયપાસ રોડ, કોડીનાર ખાતે 15મી ઑગસ્ટ 2025નો સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ અને દેશભક્તિના ઉમંગ સાથે ઉજવાયો.
સવારે 8:00 કલાકે કાર્યક્રમની શરૂઆત સંસ્થાના કોર્ડિનેટર શ્રી આરીફભાઈ ચાવડાના ઉષ્માભર્યા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના પ્રતિભાશાળી દિવ્યાંગ વિદ્યાર્થી જતીનભાઈ કામળિયાએ કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું તથા ઉપસ્થિતોમાં રાષ્ટ્રીય ભાવના જગાવતા નારા લગાડાવ્યા.
ધ્વજવંદન સમારોહ સંસ્થાના ફિઝિયોથેરાપી નિષ્ણાત ડૉ. ભરતભાઈ રાઠોડ તથા સંસ્થાની જ તેજસ્વી દિવ્યાંગ દીકરી ના વરદ હસ્તે કરવામાં આવ્યો. ધ્વજારોહણ સમયે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય ગીત ગાઈ દેશભક્તિની ભાવના ઉજાગર કરી. ત્યાર બાદ સંસ્થા ના આરીફ ચાવડા એ આઝાદી અપાવનાર આપના સ્વતંત્ર સેનાનીઓ ને યાદ કરી રાષ્ટ્રએ 1947 થી અત્યાર સુધીમાં કરેલ પ્રગતિ અને આપણે દેશના નાગરિક તરીકે દેશ માટે આપણી ફરજ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ધ્વજારોહણ બાદ દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓ અને સ્વયં સેવકો સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌએ હાથમાં તિરંગો લઈ નગારા અને દેશભક્તિ ગીતોના સ્વર સાથે શહેરમાં પ્રભાતફેરી યોજી. યાત્રાએ સ્થાનિકોમાં દેશપ્રેમ અને એકતાનો સંદેશ પહોંચાડ્યો.
આ સાથે “નશામુક્ત ભારત” અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગીર સોમનાથ ના સમાજ સુરક્ષા સહાયક તનવીરભાઈ ચાવડાએ નશાના નુકસાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉપસ્થિત સૌએ “નશા મુક્તિ”ની શપથ લેવડાવી હતી અને વ્યક્તિગત અને રાષ્ટ્રના નિર્માણ માટે નશાથી મુક્ત થવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકર્તાઓ શ્રી રાકેશભાઈ બેરડીયા, ડૉ. નિકુંજભાઈ ચુડાસમા, શ્રી વિપુલ સોલંકી, શ્રીમતી અમિતાબેન ચાવડા, શ્રીમતી હિમાંશી ગોહિલ તથા સમાજ સુરક્ષા વિભાગના સહાયક શ્રી તનવીરભાઈ ચાવડાએ અવિરત મહેનત કરી.
સંસ્થાએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દિવ્યાંગ બાળકોમાં દેશભક્તિ, સામાજિક જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આવનારા સમયમાં પણ આવા સામાજિક-રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે તેમ જીવનદીપ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે…..
રિપોર્ટ રહીશ બાનવા કોડીનાર