જામનગરના રણજીતસાગર રોડ પર ગોકુલદર્શનમાં રહેતા કારખાનેદાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા છે અને આશરે ૩૦ લાખ વ્યાજે લીધેલી રકમના બદલામાં ૪૦ લાખ વ્યાજ ચુકવ્યા છતા પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી અને ત્રાસ આપવામાં આવતો હોય જેથી કારખાનેદારે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. દરમ્યાન આ બનાવ મામલે પાંચ શખ્સો વિરુઘ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક મેઇન રોડ પર આવેલા ગોકુલદર્શન શેરી નં. ૩માં રહેતા સુધાબેન લાલજીભાઇ મારકણા (ઉ.વ.૪૩) નામના મહિલાએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઇ હાથલીયા, હરીશ ગંઢા, ઉપેન્દ્ર ચાંદ્રા અને કિરીટ ગંઢા રહે. જામનગરની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૨૭(૪), ૧૪૦(૩), ૩૦૮(૫), ૩૫૧(૩), ૩(૫) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ ૨૦૧૧ની કલમ અનુસાર ફરીયાદ નોંધાવી છે.
જે અંગેની વિગત અનુસાર ફરીયાદીના પતિ લાલજી સવજીભાઇએ કામ ધંધા અર્થે થોડા સમય પહેલા ત્હોમતદાર ધર્મેશ રાણપરીયા પાસેથી રૂપીયા લીધા હોય અને તેના બદલામાં ફરીયાદીના પતિ ૧૦ થી ૧૨ ટકા વ્યાજ ચુકવતા હતા ત્યાર બાદ વ્યાજ ચુકવી ન શકતા ધર્મેશે ફરીયાદીના કારખાનેથી બ્રાસપાર્ટના મશીનો બળજબરીથી લઇ ગયા હતા.
ત્યાર બાદ ફરીયાદીના પતિનું અપહરણ કરી લોઠીયા ગામે આરોપી પોતાના ગોડાઉનમાં આશરે ૨૦ દિવસ ગોંધી રાખી મુદલ રકમ અને વ્યાજ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકીઓ આપેલ હતી. તેમજ આરોપી જેઠા પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય જેથી જેઠાભાઇ ફરીયાદીના પતિને અવાર નવાર રૂબરૂ તથા ફોનમાં મારી નાખવાની ધાક ધમકી આપી વ્યાજ-મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કર્યા હતા.
તેમજ આરોપી ઉપેન્દ્ર પાસેથી પૈસા લીધેલ તેનું વ્યાજ ભરી ન શકતા ફરીયાદીના પતિને એકસયુવી કાર બળજબરીથી લઇ ગયા હતા તેમજ આરોપી કિરીટ અને હરીશ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય અને વ્યાજ ન ભરી શકતા ફરીયાદીના ભાણેજ પર ખોટો કેસ કરી માનસીક ત્રાસ આપી વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરતા હોય આમ પાંચેય શખ્સ પાસેથી ફરીયાદીના પતિએ આશરે ૩૦ લાખ વ્યાજે લીધા હતા.
તેના બદલામાં આજ દીન સુધી ૪૦ લાખ વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આરોપીઓ વ્યાજ અને મુદલ રકમ બળજબરીથી કઢાવવા માટે માનસિક, અસહ્ય ત્રાસ આપી મારી નાખાવાની ધમકી દેતા હોય જેથી આ ત્રાસ સહન નહી થઇ શકતા ફરીયાદીના પતિ લાલજીભાઇએ ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરી હતી આમ ઝેરી દવા પીવા ફરજ પાડી આ તમામ આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડી ગુનો કર્યો હતો.
આ ફરીયાદના આધારે સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. પુરાવા એકત્ર કરવા અને આરોપીઓના સગડ મેળવવા માટે કાર્યવાહી આગળ ધપાવી છે. બનાવના પગલે શહેરમાં ચકચાર વ્યાપી છે.
બ્યુરો ચિફ:-સદામ શેખ