૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર અને ઓપરેશન બ્લુ સ્ટારમાં ફરજ નિભાવનાર કર્નલ જાડેજાએ ૪૨ વર્ષ સુધી સેનામાં સેવા આપી : નિવૃત્તિ બાદ પણ સમાજસેવા થકી યુવાનોને પ્રેરણા આપતા રહ્યા
ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્ટ્રસેવાને અર્પણ કરેલ જીવન જીવનાર નિવૃત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું તાજેતરમાં ગાંધીનગર ખાતે નિધન થયું છે. કર્નલ સાહેબના અવસાનના સમાચાર મળતા જ ધ્રોલ તેમજ સમગ્ર પંથકમાં સાથે સૈન્ય વર્તુળોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. કર્નલ વનરાજસિંહ જાડેજાએ ભારતીય સેનામાં લગભગ ૪૨ વર્ષ સુધી દેશની અવિરત સેવા આપી હતી. તેમના સૈન્ય જીવનમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે. તેમણે રાજપૂતાના રેજિમેન્ટના સૂરવીર સૈનિક તરીકે કારગિલ યુદ્ધ (૧૯૯૯) દરમિયાન દેશની સરહદ પર ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તદુપરાંત, તેમણે દેશના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાતા ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન પણ પોતાની ફરજ બહાદુરીથી નિભાવી હતી. લાંબા સમય સુધી ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ નિવૃત્તિ પછી પણ કર્નલ જાડેજા રાષ્ટ્ર અને સમાજપ્રત્યે સક્રિય રહ્યા હતા. તેઓ ગાંધીનગરમાં નિવાસ કરતા હતા, પરંતુ પોતાની માતૃભૂમિ પ્રત્યેની લાગણી અખંડ રહી હતી. નિવૃત્તિ બાદ તેમણે યુવાનોને રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સંસ્કાર માટે પ્રેરિત કરવાનું કાર્ય હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ, કર્નલ સાહેબને અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો અને છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. ગઈ કાલે શરીરમાં સોડિયમની ઉણપને કારણે તેમનું અવસાન થયું હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું હતું. તેઓ અગાઉ જામનગર જી.જી. હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ ડીન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા, જે તેમની બહુમુખી પ્રતિભાનું પ્રતિબિંબ છે. કર્નલ વનરાજસિંહ જાડેજાના નિધનથી પરિવારજનો સાથે સાથે સમગ્ર સમાજે એક આદરણીય, રાષ્ટ્રનિષ્ઠ અને પ્રેરક વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન હજામચોરા ગામે સૈનિક સન્માન સાથે કરવામાં આવ્યા હતા. રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર આ વીર સપૂતને સ્થાનિક નાગરિકો, સૈન્ય અધિકારીઓ અને સમાજજનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રિપોર્ટર લલીતભાઈ નિમાવત બાલંભા