જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બનેલી એક અત્યંત અરેરાટીભરી અને કરુણ દુર્ઘટનામાં, વીજ કરંટ લાગવાથી એક વૃદ્ધ દંપતી સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવડીયા ગામે રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધ રવજીભાઈ જેસાભાઇ રોલા અને તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ રોલા, અચાનક શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે પોતાના ખેતરમાં પડેલો મગફળીનો ભૂકો સરખો કરી રહ્યા હતા અને તેને ઢાંકવાની કામગીરીમાં વ્યસ્ત હતા. આ કામમાં તેમને ત્યાં મજૂરી કરી રહેલો ૨૮ વર્ષીય યુવાન બુધા ધીરુભાઈ વાજડીયા પણ મદદ કરી રહ્યો હતો. આ દરમિયાન, અચાનક જ વીજ પોલ પરથી એક જીવતો વીજ વાયર તૂટીને સીધો આ ત્રણેય વ્યક્તિઓ પર પડ્યો હતો. આંખના પલકારામાં જ તીવ્ર વીજ શૉક લાગવાના કારણે રવજીભાઈ, સવિતાબેન અને બુધા ધીરુભાઈ, ત્રણેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
આ હૃદયદ્રાવક દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાલાવડ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી, તેને પોસ્ટમોર્ટમ અર્થે કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ગંભીર દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વીજ વિભાગની કામગીરી સામે ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, વીજ વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરીના નામે સમારકામ માટે મસમોટા ખર્ચાઓ કરવામાં આવે છે, પરંતુ વરસાદના સામાન્ય આગમન સાથે જ જર્જરિત વાયરો તૂટી પડવાની અને વીજ દુર્ઘટનાઓ સર્જાવાની ઘટનાઓ યથાવત રહે છે, જે વીજ તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પાડે છે. ડુંગરાણી દેવળીયા ગામે એકી સાથે ત્રણ લોકોના જીવ જતાં સમગ્ર ગામમાં ગમગીની સાથે વીજ વિભાગ પ્રત્યે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
બ્યુરો ચિફ:-સદામ શેખ











