વાંકાનેરમાં ભુઈની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા
થાનગઢની મહિલાના મોતમાં ભુઈ સામે આક્ષેપો કરતા પરિવારજનો.
બી.પી., ડાયાબીટીસ, અસાધ્ય રોગ મટાડવામાં ભુઈ દાણા પીવડાવતી.
મજબુર લોકો પાસે બે હજારથી વીસ હજારની ફી વસુલતી.
ધતીંગની કબુલાત આપી કાયમી દોરા-ધાગા બંધની જાહેરાત કરી દીધી.
મોરબી જિલ્લા પોલીસ વડા, ડીવાય.એસ.પી. વાંકાનેર અને સીટી પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.
વિજ્ઞાન જાથાનો ૧૨૭૯ મો સફળ પર્દાફાશ. ભુઈના કારસ્તાનો બહાર આવ્યા.
અમદાવાદ : મોરબી જિલ્લાના વાંકાનેરના શક્તિપરામાં છેલ્લા ૧૦ વર્ષથી ઘરમાં મંદિર બનાવી દોરા-ધાગા, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર મુસ્લિમ હનીફા શબ્બીરભાઈ પઠાણ ભુઈની કપટલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મદદથી કર્યો હતો. ભુઈ હનીફાએ કબુલાતનામું – માફીપત્ર આપી કાયમી ધતીંગલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.
બનાવની વિગત પ્રમાણે મુળ ચોટીલાના હાલ થાનગઢ મારૂતિનંદન સોસાયટી, આંબેડકર હોલ સામે રહેતા દેવજીભાઈ રામજીભાઈ રાઠોડનો દિકરો અરવિંદ તથા સંજય ગોગીયા રૂબરૂ જાથાના કાર્યાલયે આવી પોતાની આપવિતીમાં જણાવ્યું કે મારી માતા કમુબેન દેવજીભાઈ છેલ્લા બે-ત્રણ મહિનાથી ભુઈ હનીફા પાસે બી.પી. ની બિમારીના ઉકેલ માટે જાય છે. ભુઈએ દવા પીવાનું બંધ કરવું, જુવારના દાણા પીવા, માતાજીની ટેક બાધા રાખવાથી કાયમી રોગ મટી જશે તેવી ખાત્રી આપી હતી. ભુઈની શ્રધ્ધાના કારણે ઘરમાં કોઈની વાત ધ્યાને લેતી ન હતી. ૧૫ વર્ષથી નિયમિત દવા લેતી મા એ એકાએક બંધ કરતાં દિવસે દિવસે બિમારીમાં વધારો જોવા મળતો હતો. ભુઈ હનીફા મોબાઈલમાં વિધિ કહે તેમ કરતી હતી. તેવામાં દર્દીનું મોત તા. ૨૭ મી ઓકટોબર રાત્રે ઘરે થયું હતું. મારી માતા કમુબેનની ઉંમર ૫૮ વર્ષની થઈ હતી. બીજા અમારા સગાના દિકરાને ડાયાબીટીસ હોય ૧૭ દિવસની બાધા રખાવી જુવારના દાણા પીવડાવી દવા બંધ કરી દેવી માતાજી સારુ કરી દેશે. અસાધ્ય રોગ મટાડું છું. આ દર્દી હાલ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અરવિંદે તેના સગાની હાજરીમાં લેખિતમાં જાથાને માહિતી આપી હનીફા ભઈ ગમે તેવા રોગ મટાડવા, ઘર કંકાસ, સંતાન પ્રાપ્તિ, છુટાછેડા, જમીન-મિલ્કતના ઝઘડા ઉકેલવામાં પારંગ હોય ચોટીલા, વાંકાનેર, મોરબી, થાનગઢ, હળવદથી લોકો જોવડાવવા આવે છે. બીજાની જીંદગી જોખમમાં મુકાય નહિ તે માટે જાથામાં પર્દાફાશ સંબંધી રજુઆત કરી હતી. બે હજારથી વીસ હજારની પૂજાવિધિની ફી વસુલે છે. હકીકત મુકી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ તાબડતોબ કાર્યકર ભાનુબેન ગોહિલ, રવિ પરબતાણીને રૂબરૂ મોકલતા ચોંકાવનારી હકિકત સામે આવી હતી. ભઈ હનીફાએ ઘરમાં મેલડી મા અને ખોડિયાર મા નું નાનું મંદિર બનાવ્યું છે ત્યાં લોકોના દુઃખ-દર્દ મટાડવાનું કામ થાય છે. અગાઉ નવાપરા, ભાટીયા ગામમાં ભાડે રહેતા હતા. શક્તિપરામાં કોરાના પહેલા ઘરના મકાનમાં રહે છે. દરરોજ દુઃખી લોકોની સમસ્યાનું નિવારણ કરે છે. પર્દાફાશ સંબંધી પુરાવા મળી ગયા હતા.
જાથાના ચેરમેન જયંત પંડયાએ મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, ગૃહ મંત્રાલય, પોલીસ મહાનિર્દેશક, મોરબી જિલ્લા પોલીસ વડાને જાણ કરી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. તુરંત પોલીસ તંત્રે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એચ. એ. જાડેજાને જરૂરી સુચના મોકલી હતી. તેમણે પોલીસ વાન સાથે પોલીસ કર્મીઓ લીંબાભાઈ રબારી, ભાવનાબેન મકવાણા, શિતલબેન મકવાણાની ફાળવણી કરી દીધી હતી.
રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રમેશ પરમાર, મુકેશ સોંદરવા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, યોગેશ પંડયા, ભાનુબેન ગોહિલ, થાનગઢના ભીખાભાઈ દેવજીભાઈ, હેતલબેન રાઠોડ, લક્ષ્મીબેન રાઠોડ, સંજયભાઈ પરમાર, અરવિંદભાઈ રાઠોડ સહિત કાર્યકરો સીટી પોલીસ સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી ભુઈ હનીફાના પર્દાફાશ માટે રવાના થયા.
જાથાના જયંત પંડયાએ ભુઈ હનીફાના ઘરે જઈ રૂબરૂ પરિચય આપી અસાધ્ય રોગ મટાડવાની, દોરા-ધાગા, દાણા આપવાની ધતિંગલીલા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ અને થાનગઢના રાઠોડ પરિવાર કે જેઓએ પોતાની માતા કમુબેનનું અવસાન બી.પી. ની દવા બંધ કરવાને કારણે થયું હતું તેવી વાત કરતા ભુઈ ભાંગી પડી અને તુરંત કબુલાત આપી મારાથી ભુલ થઈ ગઈ છે, દવા બંધ કરવાનું કીધું હતું, મારી પાસે મેડીકલ કોઈ લાયસન્સ નથી, દુઃખી લોકો જોવડાવવા માટે દરરોજ આવે છે, હું કોઈના રૂપિયા લેતી નથી, શ્રધ્ધા પ્રમાણે કામ થાય છે. જાથાએ રૂબરૂમાં પુરાવા આપતા સ્થળ ઉપર લોકોની માફી માગી કાયમી જોવાની કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી. આસપાસના લોકો ભુઈના ઘરે આવી ગયા હતા. પોલીસ સાથે પરામર્શ કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલ હતા.
કબુલાતનામામાં હું હનીફાબેન શબ્બીરભાઈ પઠાણ, ઉ.વ. ૪૪, ધંધો : દુઃખ-દર્દ મટાડવાનું અને માતાજીની સેવા પૂજા, રહે. શક્તિપરા, વાંકાનેર, છેલ્લા ૨૫ વર્ષથી મેલડી મા અને ખોડિયાર મા ની પૂજા કરું છું. લોકોના દુઃખ-દર્દ મટાડવા સાથે રોગ મટાડવા દાણા પીવડાવું છું. મારી પાસે ઉપચાર સંબંધી કોઈ લાયસન્સ નથી. લોકોની માફી માગી કાયમી દોરા-ધાગાના ધતિંગ બંધની જાહેરાત કરું છું અને થાનગઢના રાઠોડ પરિવારની માફી માગુ છું.
વાંકાનેર ડીવાય.એસ.પી. એસ. એમ. સારડા પાસે ભુઈ હનીફાને લઈ જવામાં આવતા તેને રૂબરૂમાં કબુલાત આપી કાયમી જોવાનું બંધની જાહેરાત કરી માફી માગી હતી. પોલીસે જરૂરી પુછપરછ કરી હતી. પો. ઈન્સ. એચ. એ. જાડેજાએ પણ નવા કાયદા સંબંધી ગંભીરતાની વાત કરી કાયમી રોગ મટાડવાની પ્રવૃતિ બંધ કરવા કાયદાકીય વાત કરી હતી.
જાથાના ચેરમેન જયંત પંડયાએ પોલીસ તંત્રને પત્ર આપતા અટકાયતી પગલાં લેવામાં આવેલ. પોલીસે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. વિજ્ઞાન જાથા લોકોને જણાવે છે કે માનતા કે શ્રધ્ધા રાખવાથી દર્દનું નિવારણ થતું નથી, મેડીકલ સારવાર લેવી જોઈએ. માનવ જીંદગી સાથે ખિલવાડ કરતી પ્રવૃતિઓની માહિતી વિજ્ઞાન જાથાને પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી.
જાથાનો ૧૨૭૯ મો સફળ પર્દાફાશમાં રાજકોટ રેન્જના આઈ.જી.પી., મોરબી જિલ્લા પોલીસ વડા, વાંકાનેર ડીવાય.એસ.પી. સમીર સારડા, પો.ઈન્સ. જાડેજાએ જાથાને ઉત્કૃષ્ઠ મદદ કરી હતી. પોલીસ કર્મી લીંબાભાઈ રબારી, ભાવનાબેન અને શીતલબેન જોડાયા હતા.
ફોટો તસ્વીર : વાંકાનેરના શક્તિપરામાં ૧૦ વર્ષથી ચાલતી ધતિંગલીલા કરનાર ભુઈ હનીફા પઠાણનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો તેની તસ્વીરમાં પુછપરછ કરતા જયંત પંડયા, પોલીસ સ્ટાફ, કબુલાતનામું અને માફી માગતી ભુઈ હનીફા દ્રષ્ટિપાત થાય છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ઈ-મેઈલથી મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા
મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











