૩૫૮૧ ડીલીવરી, ૩૬૦૦ થી વધુ બાળકોનો જન્મ અને ૭૨૮૫ યુનિટ બ્લડ પડાયું
શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી કે જે પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી, જે હાલમાં ગજેરા ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા ની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સતત ઉત્કૃષ્ટતા તરફ આગળ વધી રહી છે.
શાંતાબા જનરલ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓનો નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ વિભાગોમાં નિષ્ણાંત તબીબો, આધુનિક મશીનો, મોડ્યુલર ઓપરેશન થિયેટર, ICU, NICU, PICU, સીટી સ્કેન અને એમ.આર.આઈ. જેવી સુવિધાઓ શરૂ થવાથી અમરેલી જિલ્લાની જનતાને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્યસેવા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થઈ રહી છે.
આ સુવિધાઓના કારણે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં તથા આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે શાંતાબા જનરલ હોસ્પિટલની સુવિધાઓનો લાભ લઇ રહ્યા છે.
ગજેરા ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય “જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને ગુણવત્તાપૂર્ણ સારવાર પૂરી પાડવી” છે. આ મિશન અંતર્ગત હોસ્પિટલ દ્વારા દરેક દર્દીને યોગ્ય તબીબી તપાસ, દવાઓ, લોહીના પરીક્ષણો, એક્સ-રે અને સોનોગ્રાફી જેવી સુવિધાની સાથે સાથે સર્જરીની સુવિધા અને દાખલ કરીને આપવામાં આવતી સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જયારે સીટી સ્કેન અને એમ.આર.આઈ. ની સુવિધા તથા ICU સારવાર સરકાર દ્વારા માન્ય એવા સામાન્ય દરે આપવામાં આવી રહેલ છે. હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના પણ ઉપલબ્ધ હોવાથી જરૂરિયાત મંદ દર્દીઓ તમામ પ્રકારની સારવાર વિના મુલ્યે મેળવી શકે છે.
શાંતાબા મેડીકલ કોલેજના એડમીન શ્રી ભરતભાઈ ધડુકે ગત એક વર્ષમાં હોસ્પિટલ ની સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવનાર દર્દીઓની માહિતી આપતા જણાવ્યા મુજબ હોસ્પીટલમાં વિનામૂલ્યે ૪,૭૮,૬૪૮ જેટલા દર્દીઓએ ઓ.પી.ડી. સારવાર મેળવી હતી તથા ૪૦,૨૪૬ દર્દીઓએ દાખલ થઈને સારવાર મેળવેલ હતી જેમાં તેમની સારવારના ભાગ રૂપે હોસ્પિટલ માં ૧૦,૦૦,૦૦૦ જેટલા લેબ રિપોર્ટ, ૨૨,૭૫૮ જેટલી સોનોગ્રાફી તપાસ, ૯૭,૭૪૦ જેટલા એક્સ-રે તપાસ વિના મુલ્યે કરવામાં આવેલ હતી. હોસ્પિટલ માં ૩૫૮૧ ડીલીવરી થઇ હતી જેમાં ૩૬૨૦ બાળકોનો જન્મ થયેલ હતો. આ ઉપરાંત હોસ્પીટલમાં કાર્યરત વિવિધ સર્જીકલ વિભાગ દ્વારા ટોટલ ૧૫૦૦૦ જેટલા માઈનોર અને મેજર ઓપરેશન કરવામાં આવેલ હતા. આ ઉપરાંત ગત એક વર્ષમાં ૫૭૧૫ જેટલા દર્દીઓએ રાહતદરે સીટી સ્કેન અને ૩૫૭૧ જેટલા દર્દીઓએ રાહતદરે એમ.આર.આઈ. ની સુવિધા નો લાભ મેળવેલ હતો તથા હોસ્પિટલ દ્વારા કાર્યરત બ્લડબેંક દ્વારા ૭૨૮૫ યુનિટ બ્લડ સારવાર માટે પૂરું પાડવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વસંતભાઈ ગજેરા માર્ગદર્શન હેઠણ કાર્યરત શાંતાબા જનરલ હોસ્પીટલનો ઉદ્દેશ્ય માત્ર સારવાર પૂરતો માર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી આરોગ્યની પહોંચ સુનિશ્ચિત કરવાનું છે અને આવનારા સમયમાં હોસ્પીટલ કેન્સર અને હ્રદયરોગ જેવા વિભાગો અને વિશેષ તબીબી સેવાઓ ઉમેરવાના આયોજન હેઠળ છે.
આ રીતે શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ આજે સમગ્ર અમરેલી જીલ્લા ના જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. ….
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી











