મંગળ ગ્રહ અમંગળ નથી. નિવારણ વિધિઓ નર્યું તુત… જયંત પંડયા.
પિતૃ–સુરાપુરા માનવીને નડે છે તેવી સાબિતી નથી.
પશુ-પંખી, પ્રાણીઓને ગ્રહો કે ગ્રહણો નડતા નથી.
દ્રઢ મનોબળ કેળવવા જાથાનો અનુરોધ. જાથાનો ૧૦૦૬૫ મો કાર્યક્રમ સંપન્ન.
ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યો.
પાટીદાર સમાજના લોકોને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું.
અમદાવાદ : રાજકોટ કચ્છ કડવા પાટીદાર સમાજના પરિવારો માટે અંધશ્રદ્ધા દૂર કરવા
ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. અવકાશી ગ્રહો કે ગ્રહણો માનવીને કદી નડતા નથી. જીવતા નજીકના સગા-સંબંધી, મિત્રો જ નડે છે તેનાથી સાવધાન રહેવા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પશુ-પંખી, પ્રાણીઓને ગ્રહોની નડતર થઈ હોય તેવી કોઈ સાબિતી પૃથ્વી ઉપર જોવા મળતી નથી તેથી માનવીએ તર્કને પ્રાધાન્ય આપવું જોઈએ. જાથાનો ૧૦૦૬૫ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. પોલીસ કમિશ્નર કચેરીએ બંદોબસ્ત જાળવ્યો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન સમાજના આગેવાન રસિકભાઈ કરશનભાઈ લીંબાણીએ કરી જણાવ્યું કે અંધશ્રદ્ધાને દૂર કરવી સૌની નૈતિક ફરજ છે. સમાજ સુધારણાનું કામ જાથા કરે છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. કચ્છી સમાજ નવાંગતુક વિચારને કાયમી આવકારે છે.
સમાજના આગેવાનો મોહનભાઈ લીંબાણી, રાજેશભાઈ નાકરાણી, ભવનભાઈ લીંબાણી, રાજેશભાઈ વાડીયા, કિશોરભાઈ નાકરાણી, મણીભાઈ વાડીયા, કલ્પેશભાઈ સાંખલા, નિતીનભાઈ લીંબાણી, વિગેરે મંચ ઉપર હાજરી આપી પોતાના વિચારો રજૂ કર્યા હતા. માનવ ધર્મ – રાષ્ટ્ર ધર્મને અનુસરવાની વાત મુકવામાં આવી હતી.
જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જણવ્યું કે સદીઓથી માનવીને ગ્રહો-ગ્રહણોની નડતર સંબંધી જાતજાતની વાતો, કર્મકાંડ-ક્રિયાકાંડો, જપ-તપ, હોમ-હવન વિગેરે પૃથ્વી ઉપર જોવા મળે છે જે સદંતર બોગસ-બેબુનિયાદ છે તેવું જાથા જાહેર કરે છે. અવકાશી ગ્રહો કદી પણ માનવીને નડતા નથી. સદીઓથી લેભાગુઓએ ભ્રમ ફેલાવી લોકોને અવળે માર્ગે વાળ્યા છે. વિજ્ઞાન સાબિતીમાં માને છે. પશુ, પંખી, પ્રાણીઓને ગ્રહોની નડતર થઈ હોય તેવો સચોટ દાખલો નથી. કુદરત-પ્રાકૃતિક નિયમ સર્વોપરી છે. તેને પ્રાર્થના, પૂજા-પાઠ, જપ-તપ, ધ્યાન, વિધિ-વિધાન, સાથે કશી જ લેવા દેવા નથી. પૃથ્વી ઉપર શુભ-અશુભ, લાભ-હાનિ, હોનારત, નવસર્જન વિગેરે દર મિનિટે, સેકન્ડે બનતી જ રહેવાની છે તેને કોઈ રોકી શકતું નથી. માત્ર વિજ્ઞાન જ નિયંત્રિત કરી શકે છે. વિજ્ઞાનથી માનવ જાત સુખી-સંપન્ન થઈ છે તે નજરે જોઈએ છીએ. વિજ્ઞાનમાં લાભાલાભ ઉપર તર્ક કરી લોકોએ અનુસરવું જોઈએ. અનુભવ-માનવીને ઘડતરથી શીખવે છે. જ્ઞાનની કોઈ મર્યાદા નથી. ભારતમાં આધ્યાત્મિક, અનુષ્ઠાનો, સાધના-ઉપાસનાના નામે તૂત જોવા મળે છે. લોકોને મુર્ખ બનાવવામાં આવે છે. લોકોને સ્વયં જાગવાની જરૂર છે. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં સદીઓથી તાંત્રિકો-તાંત્રિકો, જયોતિષીઓ, ચમત્કારિકો, ઉપાસકો, ઈલમના તજજ્ઞોએ લોકોના માથા ઉપર અદ્રશ્ય, અલૌકિક, આસુરી શકિતઓ, મંત્ર-જાપ, સિધ્ધિઓના નામે યેનકેન છેતરપિંડી કરતા જોવા મળે છે. મૃત્યુ પછીના વિધિ-વિધાન મોટાભાગે હિન્દુઓમાં જ જોવા મળે છે તે કરવાથી માનસિક હતાશા, શારીરિક, માનસિક, આર્થિક બરબાદીના ક્રિયાકાંડો જોવા મળે છે તેને તિલાંજલિ આપવાની જરૂર છે .અમુક વિધિ-વિધાન માટે પરિવારે બેંકમાંથી લોન કે વ્યાજે રૂપિયા લેવા પડે છે, આઘાતમાં વધારો થાય છે. મૃત્યુ પછીના કર્મકાંડ-ક્રિયાકાંડો ન કરવાથી કશું જ અજુગતું કે હાની-અશુભ થતું નથી. તેથી દ્રઢ મનોબળ કેળવવું જરૂરી છે. ભય-ડર રાખશો તો વિધિ-વિધાન કરવા પડશે. પૃથ્વી ઉપર મનુષ્યે ડર-ભયમાંથી અનેક દેવી-દેવતાઓ, ઈશ્વર, અલ્લાહ, જીસસ, ચમત્કારિક શક્તિઓને મનમાંથી જન્મ આપી બરબાદી નોતરી છે તેનું જાથાને દુઃખ છે. વિજ્ઞાન આવવાથી અવતારો, ચમત્કારો આપોઆપ બંધ થઈ ગયા છે તેમાંથી લોકોએ શીખ-ધડો લેવાની જરૂર છે. મનની ત્રુટિમાંથી ભૂત-પ્રેત, જીન્નાત, ચુડેલ-ડાકણ, વિગેરેની ઉત્પત્તિ જોવા મળે છે. વાસ્તવમાં સદંતર ખોટું–બેબુનિયાદ છે. વિજ્ઞાનને હજુ સુધી એકપણ સાબિતી મળી નથી. લેભાગુઓ કમાવવા માટે ગતકડાં ઉભા કરી ખોટી વાતો લોકોના મગજમાં મુકે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. વિશ્વમાં કોરોના વખતે તમામ ધર્મના ધાર્મિક સ્થાનિકો બંધ રહ્યા, માનવીને મેડીકલ સાયન્સ જ કામમાં આવ્યું હતું. કહેવાતી શક્તિઓ કોરોના વખતે ગાયબ થઈ ભોંભીતરના દાખલા છે તેથી તર્ક-અનુભવથી કામ કરવું જોઈએ.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે જાથા છેલ્લા ૩૫ વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરે છે, દેશ-વિદેશની મુલાકાત કરી અનુભવે બોલે છે તેથી લોકોમાં લોકપ્રિય સંસ્થા સાબિત થઈ છે. વિરોધીઓ સતત અડચણો, ખોટા આક્ષેપો મુકે છે છતાં અવિરત જાથા કામ કરે છે તેમાં સત્યતાના મૂલ્યો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગસુઈ, ટેરા, અંક, સિગ્નેચર, જયોતિષ વિગેરે અવૈજ્ઞાનિક, અવાસ્તવિક, અતાર્કિક હોય તેમાંથી અનુભવ મેળવી તિલાંજલિ આપવી જોઈએ. કપોળ કલ્પિત શાસ્ત્રોથી માનવીને બરબાદી સિવાય કશું જ મળતું નથી. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને તેમાંથી દરેક પરિવારોએ મુક્ત થવું જોઈએ. નવાંગતુક વિચારો જ પ્રગતિકારક સાબિત થાય છે. છિન્ન મનોવૃત્તિ છોડી દેવી જોઈએ. માનવ-રાષ્ટ્ર ધર્મથી ઉપર કોઈ ધર્મ નથી. માનવતા રાખવી જોઈએ. અંધશ્રદ્ધાથી મુક્ત કરવા જાથા દેશ આખામાં કામ કરે છે. અડીખમ જોવા મળે છે. વાસ્તવવાદ પુરૂષાર્થવાદ જ માનવીનું ઘડતર નક્કી કરે છે. દેશમાં પશુ–પક્ષીની બલી ધર્મ, પરંપરા, માન્યતાના નામે જોવા મળે છે ત્યારે જરૂર દુઃખ થાય છે. હત્યા કરવાથી કોઈપણ ધર્મના દેવ-દેવી રાજી ન હોય તેવું માનવું છે. પશુબલી અટકાવવી માનવી માત્રની ફરજ બને છે. જાથાને તમામ પ્રકારે સહયોગ આપવો જરૂરી છે.
ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, હવામાં ઉડવું, હઝરતમાં જોવું, બેડી તુટવી, ભુવાની સાંકળ મારવાની ડિંડકલીલા, ધૂણવું-સવારીની ધતિંગલીલા, અગ્નિનું આપોઆપ સળગવું, હાથ-માથા ઉપર દીવા રાખવા, કાનેથી ચિઠ્ઠી વાંચવી, સંમોહન, કર્ણપિશાચ વિદ્યા વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવેલ.
ફોટો તસ્વીરઃ રાજકોટ કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું ઉદ્દઘાટન રસિકભાઈ લીંબાણી કરે છે. બાજુમાં સમાજના ભાઈ-બહેનો, પ્રયોગ દ્રષ્ટિપાત થાય છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર વિગતવાર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટ દામજીભાઈ વેકરીયા











