રાજકોટ : પૂ. સંત શ્રી આશારામજી બાપુના ૬૧ માં આત્મસાક્ષાત્કાર દિવસ નિમિત્તે ગત મંગળવાર, ૨૩ સપ્ટેમ્બરના રોજ સંત શ્રી આશારામજી પબ્લિક સ્કૂલ તથા પરમ પૂજ્ય સંતશ્રી આશારામજી આશ્રમ, રાજકોટ અને ગાર્ડી વિદ્યાપીઠ સંલગ્ન સ્વ. આર.એસ. શાહ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શાળાના કાલાવડ રોડ સ્થિત સંકુલ ખાતે એક સર્વરોગ નિદાન અને આયુર્વેદ ચિકિત્સા કેમ્પનું તદ્દન નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
આસપાસના વિસ્તારમાંથી આવેલ ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. નિષ્ણાત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે ગાર્ડી હોસ્પિટલના ટ્રસ્ટી જયભાઈ મહેતા અને એચ.ઓ.ડી. ડૉ. ઉમેશ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ આયુર્વેદને ભારતની પ્રાચીન અને અસરકારક ચિકિત્સા પદ્ધતિ ગણાવી તેના પ્રચાર-પ્રસાર પર ભાર મૂક્યો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા અને આશ્રમના સંચાલકો અને સાધક પરિવારના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.