જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર એનાયત પત્ર વિતરણ, ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત
વિકાસ સપ્તાહ-૨૦૨૫
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળથી રોજગાર ભરતી મેળા થકી રાજ્યના યુવાનોને નોકરી અપાવવાનું અભિયાન શરૂ થયું : નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા
અમરેલી જિલ્લાની વિવિધ આઇ.ટી.આઇના અપગ્રેડેશન અને વિદ્યાર્થીઓની તાલીમ માટે ઉદ્યોગો સાથે MoU કરવામાં આવ્યા
અમરેલી તા. ૦૮ ઓક્ટોબર, (બુધવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કડીના ભાગરૂપે બુધવારે તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ શ્રી દિલિપ સંઘાણી ટાઉન હોલ, અમરેલી મુકામે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં નોકરી પ્રાપ્ત કરનારા યુવાનોને રોજગાર એનાયત પત્ર વિતરણ, ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, અમરેલી જિલ્લાની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અપગ્રેડેશન અને વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તાલીમ મળી શકે તેવા આશયથી ઉદ્યોગો સાથે MoU કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ભરતી મેળા થકી યુવાનોને નોકરી અપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે અલગ ચીલો ચાતરતા યુવાનોને નોકરી શોધવા ન જવું પડે તે માટે રોજગાર ભરતી મેળા શરૂ કરાવી રોજગારી અપાવવાનું અભિયાન શરૂ કર્યુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની સંકલ્પનામાં યુવાનોનું યોગદાન મહત્ત્વનું છે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી અભિનંદનને પાત્ર છે.
આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શપથ લીધા હતા. રાજ્યની ૨૪ વર્ષની વિકાસગાથાની ઉજવણી કરવાના ભાગરૂપે આ વિકાસ સપ્તાહ યોજાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો મહત્ત્વનો ભાગ ભજવશે. આ તકે તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણીએ પણ પ્રેરક ઉદ્બોધન કર્યુ હતું. કાર્યક્રમમાં અમરેલી આઇ.ટી.આઇમાં RACT લેબ ડેવલપમેન્ટ માટે રૂ. ૦૧ લાખનું અનુદાન આપવા બદલ શીતલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકશ્રી ભૂપતભાઈ ભુવા, ઇલેક્ટ્રીશયન ટ્રેડ માટે મશીનરી વસાવવા માટે રૂ. ૦૨ લાખનું અનુદાન આપવા બદલ પી.જી.વી.સી.એલ અમરેલી, જાફરાબાદ અને સાવરકુંડલા, આઇ.ટી.આઇ. ખાતે પ્લમ્બર ટ્રેડ ડેવલપમેન્ટ માટે બંને આઇ.ટી.આઇને રૂ. ૧.૫૦ લાખનું અનુદાન આપવા બદલ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શ્રી દર્શકભાઈ મજુમદારને સન્માનપત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તાલીમ મળી શકે તે માટે અમરેલી જિલ્લાની શીતલ કુલ પ્રોડક્ટસ લી, રોઝફીન્ચ ફાર્માસ્યુટિક પ્રા.લી, તુલીપ કોટસ્પીન પ્રા.લી, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા, રાધેશ્યામ કોટસ્પીન પ્રા.લી, અલ્દય હેલ્થકેર સાથે MoU કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, પ્રિન્સિપલ અને નોડલ-આઇ.ટી.આઇશ્રી ડો. ટી.એમ. ભટ્ટ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રજાપતિ, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી,ભાવનાબેન ગોંડલિયા, શ્રી,ચેતનભાઈ ધાનાણી અને ઉદ્યોગપતિઓના હસ્તે વિદ્યાર્થીઓને રોજગાર એનાયત પત્રકો અને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઇ.ટી.આઇના ઇન્સ્ટ્રક્ટરશ્રી આકાશ પંડ્યાએ કર્યુ હતું.
બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી અમરેલી