રાજયના તમામ કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર કરવા રજુઆત.
રાજયની મહાનગરપાલિકા-નગરપાલિકાઓને પાણી-અનાજનો બગાડ અટકાવવા પત્ર પાઠવ્યો.
કાળી ચૌદશની અંધમાન્યતા સામે તા. ૧૫ મી ઓકટોબરથી રાજયવ્યાપી જાગૃતિ પત્રિકારનું વિતરણ થશે.
કાળી ચૌદશે પોતાના ગામના સ્મશાનમાં કાર્યક્રમો યોજવા અપીલ.
અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો,
માન્યતાઓ, ક્રિયાકાંડો પ્રદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા-વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે કે નહિ તેનું મંથન કરવાનો સમય પાકી ગયો છે. ભાવિ પેઢીને વારસામાં આપણે શું આપવા માંગીએ છીએ. માનવીનું ૨૧ મી સદીને અનુરૂપ વર્તન હોવું જોઈએ. ચાર ચોકમાં ખાદ્ય અનાજ, પાણીનો બગાડ અટકાવવો સૌ કોઈની નૈતિક ફરજ છે. ગરીબી રેખામાં જીવતા લોકોને બે ટંક ખાવાનું મળતું નથી. દેશમાં ભૂખમરો જોવા મળે છે ત્યારે કાળી ચૌદશે ચાર ચોકમાં કુંડાળા કરી ખાદ્ય અનાજ-પાણીના બગાડ અટકાવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજયવ્યાપી લોકોને અપીલ કરવામાં આવે છે. પ્રતિ વર્ષની જેમ સરકારની મંજુરી લઈ નિયમોનું પાલન કરી સ્મશાનમાં આયોજન કરવામાં આવે છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આગામી તા. ૧૯ મી ઓક્ટોબર રવિવારે કાળી ચૌદશની ગેરમાન્યતા-કુરિવાજો સામે જાગૃતિ લાવવા દેશવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકારના મુખ્યમંત્રીશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, કાળી ચૌદશના દિવસે અનાજ-પાણીનો બગાડ અટકાવવા ઠોસ કદમ ઉઠાવે અને ચાર ચોકમાં પડેલો ખાદ્ય અનાજ-પદાર્થ એકઠો કરવા સંબંધી વ્યવસ્થા કરી ભુખ્યા જરૂરીયાતમંદ માનવી પશુના પેટમાં અનાજ જાય તેવી ગોઠવણ કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે. રાજયના તમામ જિલ્લાના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓને પણ પત્ર પાઠવી પરિપત્ર કરવા સંબંધી રજૂઆત કરવામાં આવી છે. સદીઓથી કુરિવાજનું વળગણ દુઃખદ છે. જાથાને પ્રચાર માધ્યમો ભરપૂર ટેકો આપે છે ત્યારે લોકોએ જાગૃતતાના દર્શનની અપેક્ષા છે. રાજયમાં જાથા એક હજાર બસ્સો નાના-મોટા નગરોમાં કાળી ચૌદશની ગેરપરંપરા સામે જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજવાના છે. ચાર ચોકમાં કુંડાળા કરવાના રિવાજને કાયમી તિલાંજલિ, અનાજ-પાણીનો બગાડ અટકાવવો, ભૂત-પ્રેતની બોગસ વાર્તાઓને જમીનદોસ્ત કરી દફનાવવું અને કુરિવાજોને કાયમી દેશનિકાલ કરવા ભગીરથ અભિયાન આદર્યું છે તેમાં જાગૃતોનો સહયોગ જાથા ઈચ્છે છે. કાળીચૌદશની ઉજવણી વિવેકપૂર્ણ યોજી સ્થાનિક તંત્રની મંજુરી મેળવી કાર્યક્રમ યોજવા જાથાએ અપીલ કરી છે.
જાથાના પંડયા જણાવે છે કે તા. ૧૫ મી ઓકટોબરે કાળી ચૌદશની ગેરમાન્યતા સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ જિલ્લા મથકોએ કરવામાં આવશે. મહિકા ગામે ઘરે ઘરે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.
આગામી તા. ૧૯ મી ઓકટોબરે પોતાના ગામના સ્મશાનમાં કાર્યક્રમો યોજવા ઈચ્છુકોએ જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આ૫ને સુપ્રસિદ્ધ અખબરમાં ઉપરોકત પ્રેસ મેટર પ્રસિદ્ધ કરવા વિનંતી છે. ઈ-મેઈલમાં મોકલેલ છે.
ભારત જન વિજ્ઞાન જાથા
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











