જામનગરની રંગમતી-નાગમતી નદી ઉંડી અને પહોળી કરવા માટે રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ મંજૂરી અપાયા પછી ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર જ જામ્યુકો દ્વારા શરૂ કરાયેલા કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે નગરના એક આસામીએ રાજ્યના શહેરી વિકાસ-ગૃહનિર્માણ વિભાગના સચિવ તથા જામ્યુકોને કાનૂની નોટીસ પાઠવી છે.
જામનગરની રંગમતી તથા નાગમતી નદી ઉંડી અને પહોળી કરવા માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી કામગીરીમાં કેટલાક અધિકારીઓ તથા નેતાઓ દ્વારા સરકારની ગ્રાન્ટની કરોડો રૂપિયાની અંદરોઅંદર ભાગબટાઈ કરી લેવામાં આવતી હોવાની રજૂઆત સાથે નગરના એક જાગૃત નાગરિકે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વીભાગના સચિવ તથા જામ્યુકો અને લગત વિભાગોને નોટીસ પાઠવી છે.
સુજલામ સુફલામ યોજના હેઠળ સરકાર દ્વારા અપાયેલી મંજૂરી તથા ગ્રાન્ટ તેમજ જામ્યુકો દ્વારા મંજૂર કરાયેલા ઠરાવ અંગે થયેલી ટેન્ડર પ્રક્રિયા, વર્કઓર્ડર તેમજ વર્કઓર્ડરની શરતો, કેટલા વાહનો વપરાયા, તેમાં રોકાયેલા સ્ટાફની વિગત, કામ દરમિયાન નીકળેલા ખનીજ તત્ત્વોના વજન અને ખાણખનીજ વિભાગ દ્વારા આપવામાં આવેલી રોયલ્ટી અંગેની નોટીસ, તે અંગે ભરપાઈ કરેલી રકમ વગેરે મુદ્દાઓને આવરી લઈ આ નોટીસ આપવામાં આવી છે.