શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, અને તેડાગર બહેનોને ‘માતા યશોદા એવોર્ડ’થી સન્માનિત કરાયાં
જામનગર તા.11 સપ્ટેમ્બર, મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આઈ.સી.ડી.એસ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે ‘પાપા પગલી’ યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ(TLM)ના માધ્યમથી બનાવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર, અને તેડાગર બહેનોને ‘માતા યશોદા એવોર્ડ’ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સાંસ્કૃતિક પ્રવૃતિમાં ભાગ લેનાર તમામ બાળકો લંચ બોક્સ, ઇનામ અને સન્માન પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન ચાવડાએ આ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે માતા યશોદા એવોર્ડથી સન્માનિત થયેલી દરેક બહેન સમાજ માટે પ્રેરણારૂપ છે. આંગણવાડી કાર્યકરો માતાની જેમ બાળકોનું પાલન-પોષણ કરે છે, તેમને સંસ્કાર અને શિક્ષણ આપે છે. આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ અને બાળ વિકાસના મહત્વને ઉજાગર કરે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મેયબેન ગરસર, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન ભેંસદડિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હસમુખભાઈ કણજારીયા, કારોબારી સમિતિ ચેરમેન શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન શ્રીમતી મનિષાબેન કણજારીયા, બાંધકામ સમિતિ ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન ચભાડિયા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ સભ્યશ્રી ધરમશીભાઈ ચનીયારા તથા બહોળી સંખ્યામાં નગરજનો તથા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચિફ:-સદામ શેખ