જામનગરવાસીઓ વતી મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો
ગુજરાતના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલની સતત રજૂઆતને ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે જામનગર ગ્રામ્ય વિસ્તારના વિવિધ રોડ-રસ્તાના મરામત અને રી-સરફેસિંગના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં જામનગર ગ્રામ્ય, જોડિયા અને ધ્રોલ તાલુકામાં કુલ ૩૪ કિલોમીટર રોડ રી-સરફેસિંગ અને આનુષંગિક કામગીરી સહિત કુલ રૂ. ૨૪.૪૦ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ચોમાસા દરમિયાન જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. આ ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના પરિણામે કોઈ દુર્ઘટના ન સર્જાય કે નાગરિકોને પરેશાન ન થવું પડે તે માટે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના રી-સરફેસિંગ સહિતના કામો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. રજૂઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ જામનગરના નાગરિકોના હિતમાં ૩૪ કિલોમીટરના કુલ ૯ રસ્તાઓના રી-સરફેસિંગ કામને મંજૂરી આપવામાં આવી છે. આ વેળાએ જામનગરવાસીઓ વતી મંત્રી શ્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે રસ્તાઓની વિગતો આપતા કહ્યું હતું કે, જામનગર તાલુકામાં સરમત-વસઈ રોડ, ઢીંચડાથી રાજ્ય ધોરી માર્ગ સુધીનો રોડ, જગા-વરણા રોડ, વિજરખી મિયાત્રા નાના થાવરિયા હડમતીયા રોડ, અલીયાથી રેલવે સ્ટેશન એપ્રોચ રોડ અને સુમરી-મોટી ભલસાણ રોડ મળી કુલ ૨૧ કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૂ. ૧૭.૧૦ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, જોડિયા તાલુકાના બાલાચડીથી રાજ્ય ધોરી માર્ગ સુધીનો રોડ અને લીંબુડાથી રાજ્ય ધોરી માર્ગ સુધીના રોડને મળી કુલ ૦૬ કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૂ. ૩.૩૦ કરોડના કામ તેમજ ધ્રોલ તાલુકાના વાંકિયા-ખંભાલીડા રસ્તાના ૦૭કિલોમીટર રોડના રી-સરફેસિંગ માટે રૂ. ૪ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હરહંમેશ રાજ્યના ખેડૂતો ઉપરાંત પોતાના મતવિસ્તારના નાગરિકોની સુખાકારીને મહત્વ આપ્યું છે. જેના પરિણામ સ્વરૂપે જ આજે જામનગરમાં રોડ-રસ્તાના રી-સરફેસિંગ કામોને મંજૂરી આપવામાં આવી છે.