યુનિસેફના સહયોગથી જિલ્લા શિક્ષણ સમિતિ, જામનગર દ્વારા તા. 18 સપ્ટેમ્બર, 2025ના રોજ સુમેર ક્લબ, જામનગર ખાતે સક્ષમ શાળા એવોર્ડ વિતરણ માટે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હુલ્લાસબા સુરૂભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ અવસરે જિલ્લાના ડીપીઈઓ શ્રી વિપુલ મહેતા, ડાયેટના પ્રાચાર્યશ્રી સંજય જાનીસાહેબ, રાજ્ય સંઘના પ્રમુખશ્રી દિગ્ગુભાસાહેબ સહિત તાલુકા સ્તરના તમામ ટીપીઈઓ અને બીઆરસી કો-ઓર્ડિનેટરોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી.
સ્વચ્છ, હરિયાળી અને સલામત શાળા માટેના માપદંડો આધારે જોડિયા તાલુકાની શ્રી વાવડી પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી હતી. આ માપદંડોને આધારે આ *શાળાએ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન તેમજ જોડિયા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત* કરી તાલુકાનું તથા વાવડી ગામનું ગૌરવ વધાર્યું હતું.
આ એવોર્ડ શાળાના આચાર્યશ્રી પ્રવિણ ભેંસદડિયાને માનનીય અધિકારીઓ તથા પદાધિકારીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના સન્માન સમારોહ વખતે વાવડી શાળાના શિક્ષકશ્રી રવિન મકવાણા, બીઆરસી કો-ઓર્ડિનેટરશ્રી જામીસાહેબ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી કનુભાઈ પણ જોડાયા હતા.
નાના એવા વાવડી ગામ માટે આ સિદ્ધિ ગૌરવભરી બની રહી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ અવસર પ્રેરણાદાયી તથા ઉત્સાહજનક સાબિત થયો હતો.