**
—- *ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે – મંત્રીશ્રી કનુભાઈ*
માહિતી બ્યુરો: વલસાડ: તા. ૧૧ ઓક્ટોબર
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડીજીવીસીએલની આશરે રૂ.૧૧ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન વાપી ઔદ્યોગિક વિભાગીય કચેરી અને વાપી જીઆઈડીસી પેટા વિભાગીય કચેરીઓના નવી. પ્રસ્તાવિત મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાપી ઔદ્યોગિક વિભાગીય કચેરી બનવાથી ૧,૨૯,૪૧૯ થી વધુ વીજગ્રાહકો અને પેટા વિભાગીય કચેરીથી ૨૦,૯૮૨ વીજ ગ્રાહકોને લાભ થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી જણાવ્યું હતું કે, દેશમાં વીજ સેવાઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલું સ્થાન ધરાવે છે. વડાપ્રધાનશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામોમાં ૨૪ કલાક વીજળી આપવાની શરૂઆત કરાવી હતી. આજે માત્ર ગુજરાત રાજ્ય જ ૨૪ કલાક વીજળી આપે છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે. ગુજરાત સમગ્ર દેશમાં વ્યક્તિદીઠ ૨૪૦૦ યુનિટ વીજ વપરાશ છે જે દેશના વ્યક્તિદીઠ વપરાશ ૧૨૦૦ યુનિટ કરતા બમણો છે.
ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. એડિશનલ ચીફ એન્જિનિયર એમ.એમ. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ડીજીવીસીએલ વલસાડ વર્તુળ કચેરીના મુખ્ય ઇજનેર ડી. સી. માહલાએ આભાર વિધિ કરી હતી.
કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ, એસઆઇએ પ્રમુખ નિર્મલ દૂધાની, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ બાલુભાઈ કે ગાંવિત વલસાડ