આજ મધ્યરાત્રિથી કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો
જાન્યુઆરી તા. ૨-૩-૪ આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે.
દુનિયાભરમાં તા. ૧૨ જાન્યુઆરી સુધી ઉલ્કાવર્ષા જોઈ શકાશે.
પ્રતિ કલાકમાં ૧૦૦ ઉલ્કાઓ જોઈ શકાશે.
ઉત્તર ગોળાર્ધમાં નક્ષત્ર બૂટ્સ ચંદ્રની રોશની ૧૧ ટકા પ્રકાશિતમાં જોવા મળશે.
આ ઉલ્કા તેજસ્વી, રંગબેરંગી અગનગોળા માટે જાણીતી છે.
રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ.
અમદાવાદ : દુનિયાભરમાં ખગોળરસિકોએ તા. ૭ મી ૧૪ મી સુધીમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શકયા હતા. નવા વર્ષ ૨૦૨૬ ના પ્રારંભે તા. ૨, ૩ અને ૪ જાન્યુઆરીએ આકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ઉલ્કાવર્ષા આજથી પ્રારંભ કરી ૧૨ મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. પ્રતિ કલાકના ૧૦૦ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, ઉત્તર ગોળાર્ધમાં નક્ષત્ર બૂટ્સ ચંદ્રની રોશની ૧૧ ટકા પ્રકાશિતમાં ઉલ્કાવર્ષા જોઈ શકાશે. રાતની શરૂઆતથી ઉલ્કાવર્ષા ઉપર નજર રાખવી જરૂરી છે. પ્રતિ કલાક ૧૦૦ સુધી પડતી જોઈ શકાય છે. સરેરાશ કલાક દીઠ ૨૫ ઉલ્કાઓથી વધુ નથી. આ ઉલ્કા તેની તેજસ્વીતા, રંગબેરંગી અગનગોળા માટે જાણીતી છે. જાન્યુઆરી તા. ૨, ૩ અને ૪ ના રોજ આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોઈ શકાશે. આ અવસર ચુકવા જેવો નથી. જાથાએ આ માટે એક દિવસ ખાસ આયોજનો ગોઠવ્યા છે. જાન્યુઆરીમાં બે ઉલ્કાવર્ષામાં માઈનોરિડસ પણ જોવા મળશે. દેશભરમાં જાથા લોકોને ખગોળીય માહિતી આપી ધ્યાનાકર્ષણ કરે છે.
વધુમાં પંડયા જણાવે છે કે કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાની મહત્તમ ત્રણ દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.
જાથાના પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી બે-ત્રણ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે.
તા. ૨ જાન્યુઆરીએ ખામટા ગામમાં ગ્રામજનો અને એન.એસ.એસ. કેમ્પની છાત્રાઓને ઉલ્કા વર્ષા અંગે વિગતે માહિતગાર કરી નિદર્શન કરવામાં આવશે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવગઢ, ગોધરા, ખંભાળીયા, દ્વારકા, બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, તાપી, બિલીમોરા, બારડોલી, બોડેલી, ચીખલી, ડભોઈ, ધરમપુર, ધ્રાંગધ્રા, દાંતા, તિથલ, વાવ, ઠાસરા, થરાદ વિગેરે નાના-મોટા નગરોમાં એક દિવસીય મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.
કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના નિર્ભય જોશી, રાજુ યાદવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલ વિગેરે અને એન.એસ.એસ. કેમ્પના છાત્ર-છાત્રાઓ સાથે અનેક સદસ્યો જોડાવાના છે.
રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : ૯૮૨ પર ૧૬૬૮૯ ત્થા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ખગોળીય ઘટના જોવા લોકો ઉત્સુક થાય તેવા જાથાના પ્રયાસને ટેકો આપી વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રાર્થના.
તા.ક. જાથાને આપનો સદૈવ ટેકો મળે છે તેનો આનંદ છે. ઋણ સ્વીકાર સાથે આભાર સહ.
ભારત જન વિજ્ઞાન જાથા
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











