તા. ૨૧ મી થી દિવસ ક્રમશઃ લંબાતો જાય છે.
તા. ૨૧ મી જુને લાંબામાં લાંબો દિવસ.
વિષુવવૃત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે… જાથા.
તા. ૨૧ મી માર્ચ વસંત સંપાત ખગોળીય દિવસ.
અમદાવાદ : સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા. ૨૦ મી માર્ચ શુક્રવારે દિવસ અને રાત સરખા જોવા મળશે. તા. ૨૧ મી શનિવારથી દિવસ લંબાતો જાય છે અને તા. ૨૧ મી જુને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. ખગોળીય ઘટનાનો અનુભવ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. ૨૦ મી માર્ચ શુક્રવારે મુંબઈમાં દિવસ અને રાત ૧૨ કલાક-૧૨ કલાકના, અપર અને સુક્ષ્મ ગણિત આધારે સુર્યોદય રાજકોટ ૬.૫૩, અમદાવાદ ૬.૪૭, મુંબઈ ૬.૪૫, સુરત ૬.૪૬, ભુજ ૬.૫૮, વડોદરા ૬.૪૪, ભાવનગર ૬.૫૫, જુનાગઢ ૬.૫૪, જામનગર ૬.૫૪ જયારે સૂર્યાસ્ત રાજકોટ ૧૮.૫૩, અમદાવાદ ૧૮.૪૭, સુરત અને મુંબઈ ૧૮.૪૬, ભુજ ૧૮.૫૮, વડોદરા ૧૮.૪૪, ભાવનગર ૧૮.૫૫, જુનાગઢ ૧૮.૪૫, જામનગર ૧૮.૫૫, સરેરાશ દિવસ ૧૨ કલાક અને ૭ સેકન્ડ જયારે રાત્રી ૧૧ કલાક, ૫૯ મિનિટ અને ૫૩ સેકન્ડ. તા. ૨૧ મી માર્ચ પછી ઉત્તરોતર દિવસ લાંબો થતો જશે. આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તા. ૨૧ મી જૂને લાંબામાં લાંબો દિવસ હોય છે.
વધુમાં જાથાના પંડયાએ જણાવ્યું કે ૨૧ મી માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જયારે તા. ૨૧ મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાત તરીકે ઓળખાય છે. તા. ૨૧ મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૂ થતાં તે દિવસે રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. વિષુવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવવૃત્તને છેદે છે તેને વસંત સંપાત કહે છે.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે વસંત સંપાત દિવસ પછી ગરમી શરૂ થાય છે કારણ કે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉત્તર તરફનું માથું સૂર્ય તરફ તેટલા ખૂણે નમેલું જોવા મળશે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જયારે ૨૧ મી જુન પછી સૂર્ય પુનઃદક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણયાન કહે છે.
દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા, સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે. જે સતત બદલાતા રહે છે. આથી દિવસ-રાતની લંબાઈમાં સાત થી દસ મિનિટનો તફાવત સ્વાભાવિક માન્ય ગણાય છે.
અંતમાં શુક્રવાર તા. ૨૦ મી એ દિવસ-રાત સરખા ખગોળીય ઘટના માણવા જાથાએ અપીલ કરી છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
માન. તંત્રીશ્રી
આપના સુપ્રસિદ્ધ અખબારમાં વિગતવાર પ્રસિદ્ધ કરવા વિનંતી.
ભારત જન વિજ્ઞાન જાથા
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











